જાણો તુલસીશ્યામ મંદિર બનાવવા પાછળની એક રહસ્યમય કથા અને શા માટે ભગવાન વિષ્ણુને લેવો પડ્યો હતો તુલસી-શ્યામનો અવતાર

235

ઈતિહાસની વાત કરીએ તો 480 વર્ષ પહેલાં ગીરના પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગાઢ વન વચ્ચે શ્યામ સુંદર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા. પૂજાધારી બાપુ નામના સંતે એમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત પણ કેટલીક રોચક કથાઓ છે તુલસી શ્યામ વિશે. ભગવાન શ્યામ સુંદર ગીરના ગાઢ જંગલમાં કુદરતના ખોળે બીરાજમાન છે. તુલસીશ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના શહેરથી આશરે 29 કિલોમીટર દુર જંગલમાં આવેલું છે.

અહીં પૈારાણીક તુલસીશ્યામ મંદીર આવેલું છે. જયાં ભગવાન શ્રીકૃષ્ણની સાથે રીસાયેલા રૂક્ષ્મણીજીનું મંદીર આવેલું છે. આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે. મંદિર પરના 400 પગથિયાં ચઢીને ડુંગરા પર જવું પડે છે. પ્રતાપી સંત શ્રી દુધાધારી મહારાજને કારણે આ મંદિર પ્રકાશમાં આવ્યા હતા. કારણકે તેમણે અહી તપશ્ચર્યા કરી હતી. જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન આપીને મહારાજને કહ્યુ કે, મારી આ જગ્યાએ ખંડિત મુર્તિને તું પુન:પ્રતિષ્ઠ કરજે. જેથી અન્ય લોકોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવાયુ હતુ. જુગલ રાયચંદ નામનાં ભકત દ્વારા આ મંદિર તેમજ ગરમ પાણીના કુંડ પણ બાંધવામા આવ્યું હતું.  તુલસી શ્યામ મંદીર ના પૈારાણીક ઇતીહાસ પર એક નજર કરીએ તો જાલંધર નામનો એક અજેય યોધ્ધા હતો, જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો.

દેવોને તોબા પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો ભાગીને ગયા વિષ્ણુ પાસે. જાલંધરનું યુધ્ધ કૌશલ જોઇને વિષ્ણુ પણ પ્રસન્ન થઇ ગયા. જેથી જાલંધરને વરદાન માંગવા માટે કહ્યું. જાલંધરે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું. જેથી વરદાન આપીને કહ્યુ કે જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ ત્યાં મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. જાલંધરને વૃંદા જેવી સતી સ્ત્રી, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી મળ્યા. સમયકાળે જાલંધરની મતિ બગડી. ધર્મભ્રષ્ટ થયો. જાલંધરે કૈલાશ ઉપર ચઢાઇ કરી.

ઘોર યુધ્ધ કર્યુ અને મહાદેવ પણ ઘાયલ થઇને મૂર્ચ્છા પામ્યા. સતી પાર્વતી અલોપ થયાં. આમ થવાથી દેવોએ વિષ્ણુને વિનંતી કરીકે હવે તો જાલંધર ધર્મભ્રષ્ટ થયા છે આપ દેવલોક પાછા ફરો. જેથી ભગવાન વિષ્ણુ જાલંધરના સાગરવાસમાંથી વિષ્ણુલોકમાં પાછા પધાર્યા. જાલંધર હવે તો પાર્વતીનું સત લોપવા યુધ્ધે ચડ્યો હતો. જેથી તેનો નાશ કરવાનું વિષ્ણુએ નક્કી કર્યુ. આજે જે જગ્યાએ તુલસીશ્યામ છે તે જગ્યાએ ભગવાન વિષ્ણુએ મનોહર ઉધાનની રચના કરી. પોતે એ ઉધાનમાં ધુણી ધખાવીને અવધુત યોગીનું સ્વરૂપ લઇને આસન જમાવીને બેસી ગયાં. આ બાજુ જાલંધર પાર્વતીજીને મેળવવા યુધ્ધે ચડ્યો છે અને દીવમાં સતના અસીધારા વ્રત લઇને જાલંધરના જાપ જપતી સતી વૃન્દાને સ્વપ્ન આવ્યુ અને અમંગળ એંધાણ વરતાવા લાગ્યા.

વ્રૂંદાએ મહાપ્રયત્ને જાલંધરના મનનું સમાધાન કર્યુ અને માંડીને વાત કરી. અને બન્યુ એવુ કે આ યોગી દ્વારા ઉત્પન થયેલ બનાવટી જાલંધર સાથે વ્રૂંદાએ સંબંધ બાંધ્યો. બીજી તરફ જાલંધર ત્યાં જ યુદ્ધમાં મુત્યુ પામ્યો. જેથી વ્રૂંદા સળગી ઊઠી અને કહ્યુ કે તે યોગી થઇને મને છેતરી ? તારી સ્ત્રીનું પણ તપસીરૂપે કોઇક હરણ કરશે ને તુ પાણો થઇને પડીશ. તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભૂજરૂપ ધારણ કર્યુ. આ જોઇને વ્રૂંદાએ ભગવાનને કહ્યુ કે આપ પ્રભુ થઇને આ અધર્મનું આચરણ કર્યુ ? જેથી ભગવાને કહ્યુ કે વૃંદા, જાલંધરની બુધ્ધિ ભ્રષ્ટ થઇ અને એના ધર્મનો લોપ થયો.

પાર્વતી તો એની માતા કહેવાય એના ઉપર કુદ્રષ્ટિ કરી. જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ બાંધવુ પડ્યુ છે. તારો શાપ યથાર્થ છે વૃંદા. હવે હું પથ્થરરૂપે અવતરીશ ને મારી સ્ત્રીનુ કોઇ તપસી હરણ કરે એવા તારા શ્રાપ માટે મારે રામાવતાર લેવો પડશે. મુત્યુ પામનારના મુખે મૂકાઇને તુ મુક્તિદાતા બનીશ. તારા માંજર શૂરવીરોના મસ્તકે શોભાશે ને મારા ભકતો મારુ રટણ કરવા તારી માળા ધારણ કરશે. તું તુલસી અને હું શ્યામ શૈલરૂપે અવતરશું. તુલસીશ્યામ રૂપે આપણે ખ્યાત બનશું. આમ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યુ ને પોતે શ્યામ પથ્થરરૂપે અવતર્યા. વૃંદા સતી થઇને તુલસીરુપે એ જ વનમાં અવતરી. વિષ્ણુ શ્યામ શૈલ બન્યા, અને એ જ મનોહર ઉધાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઇ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…