આ મંદિરમાં મહાદેવની પૂજા પહેલા કરવામાં આવે છે રાવણની પૂજા, જાણો તેના પાછળની રહસ્યમય કથા

54

ભગવાન શિવજી પોતાના નામ પ્રમાણે ગુણો ધરાવે છે. તે પોતાના ભક્તોની આરાધનાથી તરત જ પ્રસન્ન થાય છે. ભગવાન શિવના અનેક ભક્તો છે તેમાં એક ખાસ નામ એટલે રાવણ. જોકે રાવણ અસુરી શક્તિ ધરાવતો હતો. બ્રાહ્મણ હોવા છતાં તે અસુર ગણાતો હતો. પરંતુ તેની એક ખાસ વાત એ હતી કે, તે ભગવાન ભોલેનાથનો પરમ ભક્ત હતો. આપણા દેશમાં એક એવું પણ મંદિર છે જ્યાં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવતી હતી.

આ મંદિર રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ઝાડૌલમાં આવારગઢમાં આવેલું છે. ભગવાનનું આ ધામ કમલનાથ મહાદેવના નામથી ઓળખાય છે. મંદિર અંગે કહેવામાં આવ્યુ છે કે, આની સ્થાપના રાવણ દ્વારા કરવામાં આવી હતી. માન્યતા છે કે, રાવણે પોતાનું શીશ ભગવાનને અર્પણ કર્યુ હતુ. એટલે કે, કમળ પૂજા કરી હતી. રાવણે અગ્નિકુંડમાં પોતાનું મસ્તક નાખ્યુ હતુ.

રાવણના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેની નાભીમાં અમૃત કુંભ બનાવ્યો હતો. જેનાથી તેને શક્તિ પ્રાપ્ત થઇ હતી. આ પહેલુ એવુ મંદિર છે જ્યાં ભગવાનની પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. આની પાછળ એ માન્યતા છે કે, જો રાવણની પૂજા કર્યા વીના શિવજીની પૂજા કરવામાં આવે તો ભગવાન એ પૂજાનું ફળ આપતા નથી.

પૌરાણિક કથા મુજબ એક વાર રાવણે કરેલી ભગવાન ભોલેનાથની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાને રાવણને વરદાન માંગવા કહ્યુ હતું, વરદાનમાં રાવણે સ્વયં મહાદેવને જ માંગી લીધા હતા. ત્યારે શિવજીએ રાવણને એક શિવલિંગ આપ્યુ અને લંકા જવાની આજ્ઞા આપી હતી. સાથે સાથે એ શરત પણ રાખી કે, લંકા પહોંચતા પહેલા તેને રસ્તામાં ક્યાંય નીચે ન મુકવું.

રાવણ શિવલિંગને લઈને આવ્યો અને તેને રસ્તામાં થાક લાગતા તેણે શિવલીંગને નીચે મૂકી દીધી હતી. ત્યારથી એ લીંગ હંમેશા માટે ત્યાં સ્થાપિત થઈ ગયુ હતું. રાવણ રોજ લંકાથી એ જગ્યાએ આવીને ભગવાન શિવજીની પૂજા કરતો હતો. રાવણ ત્યાં શિવજીને દરરોજ 100 કમળ ચડાવતો. ત્યારે એક દિવસ બ્રહ્માજીએ કમળનું એક પુષ્પ અદૃશ્ય કરી દીધુ હતું.

રાવણ જરાપણ વિચલીત ન થયો અને તેણે તેનું મસ્તક ચડાવી દીધુ. શિવજી આનાથી પ્રસન્ન થયા હતા. ત્યારે શિવજીએ રાવણની નાભીમાં અમૃત કુંભ આપવાનું વરદાન આપ્યુ હતું. આથી આ સ્થાન કમલનાથ મહાદેવના નામથી જાણીતુ છે. માટે અહીં પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે તે પછી જ શિવજીની પૂજા થાય છે.